• Contact Us
Shyamal Saumil Logo

About Us

ગુજરાતી સુગમ સંગીતની સફરના હજી 100 વર્ષ પૂરાં નથી થયા ત્યારે એના ત્રણ દાયકાથી વધુ મોટા ફલક પર છે... શ્યામલ-સૌમિલના સ્વરાક્ષર!

શ્યામલ-સૌમિલે પદ્ધતિસરની સ્વરસાધના વડે નાદબ્રહ્મની આરાધના કરી છે, તો સાહિત્યનાં વાંચન મનન વડે કવિતાના શબ્દબ્રહ્મને આનંદ્યા છે. શ્યામલ-સૌમિલની સ્વરયાત્રા શબ્દથી સ્વર તરફ વહીને સૂર-શબ્દના સંગમ સંગાથે સજ્જ અને સાધારણ શ્રોતાઓ માટે રચે છે રસાનંદ તીર્થ! શ્યામલ-સૌમિલનું સ્વરાંકન કવિતાના શબ્દને સવારની હથેળીમાં લઈને કાળજીપૂર્વક અર્થને ઉઘાડે છે અને એના રસાનુભવમાં મુગ્ધ ભાવકના મન-હ્રદયમાં રોપે છે.

ગુજરાતી સુગમ સંગીતના વારસાના જતન જ નહિ, સંવર્ધન દ્વારા એમને માતૃભાષા ગુજરાતીના સાહિત્યને જનજનમાં ગૂંજતું અને ગાજતું કર્યું છે. એમના યોગદાનનો મહિમા કરતા ગુજરાત સરકારે શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીને ‘ગુજરાત ગૌરવ પુરસ્કાર’થી યથાર્થ જ સન્માનિત કર્યા છે. શ્યામલ-સૌમિલની વિશેષતા એ છે કે એમણે ઉત્તમને આવકારવા અને અપનાવવાની તત્પરતા દર્શાવી છે. વીતેલા વર્ષોના વરિષ્ઠ કલાકારોના પ્રત્યક્ષ સાન્નિધ્યથી એ સમૃદ્ધ બન્યા છે. એમના પ્રત્યેનો આદર, સમકાલીનો માટેનું સૌહાર્દ અને પ્રતિભાસંપન્ન નવાગંતુકોના સ્વીકાર દ્વારા એમણે આ ક્ષેત્રના અજાતશત્રુની ઓળખ સિદ્ધ કરી છે. ગુજરાતી સંગીતની આજ અને આવતીકાલ શ્યામલ-સૌમિલના યોગદાનથી ઊજળી છે. ગુજરાતી સંગીતની ગઈકાલ અને આવતીકાલને જોડતા સ્વરસેતુના સર્જક છે શ્યામલ-સૌમિલ.

શ્યામલ-સૌમિલની સંગીતયાત્રામાં ભળ્યો છે એક આગવો ગુજરાતી ટહુકો.

about us profile

આરતી મુનશી

" શ્યામલ-સૌમિલની યાત્રામાં ભળ્યો છે એક આગવો ગુજરાતી ટહુકો   "

શિશુવયથી જ ગુજરાતી સુગમસંગીત ક્ષેત્રે સક્રિય આરતી મુનશીને આ ક્ષેત્રના દિગ્ગજ કલાકારો પાસેથી સીધું જ માર્ગદર્શન મળ્યું છે. એમની અસાધારણ સ્મૃતિશક્તિને કારણે વિવિધ સ્વરકારોની અનેક સ્વરબધ્ધ રચના સચવાઈ શકી છે અને આજે એ સંગીત શિક્ષિકા તરીકે શાળાના શિષ્યોને પધ્ધતિસરનું સંગીતશિક્ષણ આપે છે.
આરતીની વિશેષતા એમનું ગાયન કૌશલ્ય છે. સ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા રચનાનાં શબ્દ અને સિધ્ધ કંઠ દ્વારા સ્વરાંકનને ભાવક સુધી પહોંચાડતા આરતી મુનશી કવિતાના ભાવપક્ષને સંપૂર્ણ ન્યાય કરે છે. આરતી મુનશી એ આપણો ગરવો ગુજરાતી ટહુકો છે. એમની આ પ્રતિભાનું સન્માન કરતાં ગુજરાત સરકારે એમને ‘ગૌરવ પુરસ્કાર’ તથા શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ઍવોર્ડ આપ્યો છે તથા જાણીતા અખબાર ‘દિવ્યભાસ્કરે’ રાજ્યની શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન 50 નારીઓમાં એમનો સાદર સમાવેશ કર્યો છે.

શ્યામલ મુનશી

" વ્યવસાયે પ્લાસ્ટિક સર્જન હોવા ઉપરાંત શબ્દ સ્વર અને હાસ્ય થકી પણ સર્જન કરતી બહુમુખી પ્રતિભા "

ગુજરાતી કાવ્યસંગીત ક્ષેત્રે એક અનોખી પ્રતિભા છે ડૉ. શ્યામલ મુનશી. શ્યામલ મુનશી એક ગાયક-સ્વરકાર ઉપરાંત કવિ પણ છે. કાવ્ય નિષ્પન્ન કરતી રચનાની રજૂઆત પણ એમની આગવી ઓળખ છે. આપણી પરંપરામાં આવી પ્રતિભાને ‘વાગ્યેયકાર’ કહે છે. લય અને તાલ વિશેની એમની સૂઝ અને પકડ એમની રજૂઆતની વિશેષતા છે. વ્યવસાયે તેઓ એક સફળ ‘પ્લાસ્ટિક સર્જન’ છે. અને કૉસ્મેટીક સર્જરી ક્ષેત્રે નામના ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા તેઓ ‘ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત છે.

about us profile 2
about us profile 2

સૌમિલ મુનશી

"પરંપરા અને પ્રયોગશીલતાના પલ્લામાં પગ મુકીને કર્યો છે લોકપ્રિયતાનો લક્ષ્યવેધ"

સૌમિલ મુનશીની સ્વરસાધનામાં કવિતા અને સંગીતપ્રેમ સથવારે ચાલ્યા છે. સતત નવું નવું વાંચતા-વિચારતા સૌમિલ મુનશી કવિ અને કવિતાને ચાહે છે અને સ્વરબધ્ધ કરવાની શક્યતા ધરાવતી રચનાની પસંદગીની સૂઝ ધરાવે છે. એમની ગાયકીમાં શબ્દની સુપષ્ટ રજૂઆત કવિતાને ભાવક સુધી સુપેરે પહોંચાડે છે. સરળતાનું માધુર્ય એમની રજૂઆતમાં અનુભવાય છે. એમના યોગદાન બદલ ગુજરાત સરકારે એમને ‘ગૌરવ પુરસ્કાર’થી નવાજ્યા છે.
શ્યામલ-સૌમિલની સ્વરાંકન શૈલી સમકાલીનોથી નિરાળી છે. લોકભોગ્યતા દ્વારા લોકપ્રિયતા સિધ્ધ કરનાર મુનશીબંધુઓ ગુણવત્તામાં સમાધાન કર્યા વગર ભાવકને શ્રેષ્ઠનો સુગમ પરિચય કરવી શકે છે. પરંપરા અને પ્રયોગશીલતાનું સંતુલન સાધીને એમણે પોતીકી ઓળખ ઊભી કરી છે.